સરકારની વિકાસ ની પીપુડીને લાગ્યો વરસાદ નો ભેજ
ગુજરાત સરકાર એક વાત માં ખુબજ સક્ષમ છે - વિકાસ ની પીપુડી વગાડવામાં. આતંકવાદી હમલો થાય કે ઉતરાયણ ની ઉજવણી હોય, મોટા મંત્રી ની ધરપકડ થાય ત્યારે કે ચુંટણી નો ઢંઢેરો પીટતી વખતે, સરકાર ની વિકાસ ની પીપુડી ગાજતીજ હોય. પણ મેઘરાજા ને આ પીપુડી કાનખજુરાની માફક સતાવતી હોય તેમ તેમણે એક જ દિવસ માં એટલો વરસાદ પડ્યો કે આ પીપુડી ને ભીંજવી ને તેને ભેજ લગાવી દીધો.
માત્ર અમદાવાદ શહેર ની વાત કરીએ તો ભારે વરસાદ બાદ જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું, ઘણા ના ઘરો પાણી માં સ્વાહા થઇ ગયા અને કેટલાય લોકો અધવચ્ચે અટવાઈ પડ્યા. આવી હાલત ભારે વરસાદ ને કારણે નહિ પણ અત્યંત નબળી ગટર વ્યવસ્થા ને કારણે થઇ. હજારો કરોડો રૂપિયાના રોકાણ ની વાતો કરતી સરકાર, રાજ્ય ના સૌથી મોટા શહેર માં એવી ગટર વ્યવસ્થા ના ઉભી કરી શકી જેથી વરસાદ ના પાણી નો નિકાલ થઇ શકે. અમદાવાદ માં રહેતો નાનો બાળક પણ જાણે છે કે શહેર માં બે-ત્રણ ટીપા વરસાદ પડે ત્યારે પણ મોટાભાગ ના વિસ્તારો નાના નાના ટાપુ માં ફેરવાઈ જાય છે. પણ સરકાર ને આ સમસ્યાની કોઈજ દરકાર નથી. વરસાદ ની ઋતુ ચાલુ થતા પહેલા 'સરકારી તંત્ર વરસાદ ના પાણી થી નીપટવા સજ્જ છે' એવા દાવા કરનાર સરકારી અધિકારીઓ વરસાદ આવતા જ ઘરમાં ઘુસી દાળવડા નો આનંદ માણવા લાગે છે.
અમદાવાદ ની નજીક મા આવેલું સાણદ ગામ થોડા સમય માં ખુબ પ્રચલિત બન્યું છે. સરકારે તાતા કંપની પર દયામણા હાથ મૂકી, નેનો કાર ની ફેક્ટરી સ્થાપી આપી. પણ તાજેતર માં સાણંદ અને આજુ બાજુ ના ગામો માં એટલો વરસાદ પડ્યો કે દરેક સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલો પર તેના દ્રશ્યો વારવાર જોવા મળ્યા. લોકો ના ઘરો,દુકાનો અને ગામો ના ગામો પાણી માં ગરકાવ થઇ ગયા પણ એક જગ્યા ખુબજ સુરક્ષિત હતી....નેનો કાર ની ફેક્ટરી!!
અમદાવાદ હોય સાણંદ, કે પછી આખુય ગુજરાત, સરકાર કોઈપણ સંજોગો માં સારી ગટર વ્યવસ્થા ઉભી નહિ જ કરે એ વાત નિશ્ચિત છે. આથી ગુજરાત સરકાર ને આવી પરિસ્થિતિ સામે લડવા માટે ના થોડા આસાન ઉપાયો આપું છું.
૧. તાતા કંપની ને નેનો કાર ના ઉત્પાદન ને બદલે નેનો બોટ ના ઉત્પાદન માટે નિવેદન કરવું.
૨. નેનો કાર તો પાણી થી ભરપુર રસ્તાઓ ઉપર ચાલી નહિ શકે આથી નેનો બોટ ચોક્કસ વધુ લાભદાયી નીવડશે
૩. વરસાદ ના પાણી થી સૌથી વધુ નુકશાન ગરીબ લોકો જે ઝુંપડા મા રહે છે તેઓ ને થાય છે આથી નેનો બોટ નું મફત માં વિતરણ સરકારે કરવું જોઈએ
૪. મફત બોટ નું વિતરણ, ગુજરાત ના બ્રાંડ એમ્બેસડર શ્રી અમિતાભ બચ્ચ્ચને કરવું જોઈએ.
૫. આ નેનો બોટ નું નામ 'વાયબ્રન્ટ બોટ' રાખવું.
આશા છે કે સરકાર 'સાડા પાંચ કરોડ' ગુજરાતીઓ માટે આટલું તો ચોક્કસ કરશે.
ગૌરાંગ રાવલ
Wednesday, August 11, 2010
Subscribe to:
Posts (Atom)