Wednesday, March 31, 2010

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ને ખુલ્લો પત્ર

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ


જય ગુજરાત!

હું એક સામાન્ય ગુજરાતી માણસ છું અને રાજકારણ અને તેના કોઈ પણ દાવ પેચ થી બિલકુલ અજાણ છું. હું આ સ્પષ્ટતા શરૂઆત માં કરી દઉં જેથી મને 'ગુજરાત વિરોધી' અથવા 'કોંગ્રેસ ની તરફદારી કરનાર' કહેવામાં ન આવે.

હાલ માં તમે તમારા બ્લોગ પર લખ્યું છે કે આપે ઘણી વાર ૨૦૦૨ ના કોમી રમખાણો ની ટીકા કરી છે. પરંતુ

૧. શું આપ એહસાન જાફરી જે એક મોટા રાજકારણી હતા તેમની અને તેમના જ ઘરે અન્ય લોકો ની હત્યા ની પણ ટીકા કદી કરી છે? તમે એમ કહેશો કે સંપૂર્ણ ૨૦૦૨ ના રમખાણો ની ટીકા કરી હોય તો કોઈ એક વ્યક્તિ કે ઘટના નો અલગ થી ઉલ્લેખ કરવા નો ન હોય પણ ગુલબર્ગ સોસાઈટી ના હત્યાકાંડ અનુસંધાને આપ ને સીટ ના સમન્સ મળ્યા અને આપે 'ઉદાર ભાવે' તેમને સહકાર આપ્યો એ માટે હું એવી અપેક્ષા રાખું કે આપ આ ઘટના વિષે પણ આપ ના બ્લોગ માં ટીકા કરો.

૨. આપે ૨૦૦૨ માં ગોધરા માં સળગેલી ટ્રેન ની મુલાકાત તાત્કાલિક ધોરણે લીધી હતી પણ શું આપે કદી નરોડા પાટિયા કે ગુલબર્ગ સોસાઈટી ની મુલાકાત કદી લીધી છે?

૩. ૨૦૦૨ ના કોમી રમખાણો માં ગુલબર્ગ સોસાઈટી થી એક પારસી છોકરો અઝહર આજ ની તારીખે ગુમ છે. એ ઘટના પર બનેલી ફિલ્મ પરઝાનિયા, અમુક ગુંડાઓ એ ગુજરાત માં રીલીઝ થવા ન દીધી. મૂઢીભર ગુંડાઓ ના આવી હિમત ની ટીકા આપે કદી કરી છે?

૪. 'માઈ નેમ ઇસ ખાન' ફિલ્મ ની ગુજરાત માં તમે શાંતિ થી રીલીઝ કરાવી આપી પણ શું આપ માનો છો કે પરઝાનિયા ફિલ્મ પણ રીલીઝ થવી જોઈએ? ગુજરાત ની લોકતાન્ત્રિક અને શાંતિમય ગરિમા ખાતર શું તમે આ ફિલ્મ રીલીઝ કરાવશો?

૫.આપ ને જાણ હશે કે ગુજરાત રાજ્ય ના એક 'બહાદુર' પોલીસ ઓફિસર શોરાબુદ્દીન ના ખોટા એનકાઉન્ટર અનુસંધાને જેલ માં છે. શું આપ એ 'બહાદુર' ઓફિસર અને ખોટા એનકાઉન્ટર ની પણ ટીકા કદી કરી છે અથવા કદી કરશો?

૬. એક દૈનિક છાપા માં મેં હાલ માં જ વાંચ્યું કે, વિધાનસભા માં પ્રશ્નોતરી દરમ્યાન આપવામાં આવેલી માહિતી મુજબ, ગુજરાત રાજ્ય માં ત્રણ વર્ષ માં ૧૪૫ ખેડૂતો એ આત્મહત્યા કરી છે. ગુજરાત જેવા 'વિકસિત' અને 'વાઈબ્રન્ટ' રાજ્ય માં ૧૪૫ ખેડૂતો એ આત્મહત્યા કરે એ માટે આપે કદી આપની પોતાની ટીકા કરી છે?

૭. આ માહિતી મુજબ, અમદાવાદ માંથી છેલ્લા બે વર્ષ માં ૧૩૦૦ મહિલાઓ ગુમ થઇ જેમાંથી હજુ પણ ૨૦૦ મહિલાઓ નો કોઈજ પત્તો નથી. મહિલાઓ માટે દેશ ના સૌથી સુરક્ષિત શહેરો માં જેની ગણના થાય છે એવા અમદાવાદ શહેર માં આવી ઘટનાઓ વિષે આપે કદી ટીકા કરી છે અથવા કદી કરશો?

૮.આજ માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટે ગટર માં કામ માટે કામદારો ને નીચે ઉતારવા સામે પ્રતિબંધ મુક્યો છે છતાં ગુજરાત રાજ્ય ના અલગ અલગ સ્થળોએ કુલ ૧૮ કામદારો ના ગૂંગળાઈ જવાથી મોત થયા છે. 'કોઈદો સૌથી સર્વો પરી છે' એવું તમે કહો છો તો શું ગુજરાત હાઈકોર્ટ ના પ્રતિબંધ ની મજાક કરનાર આવી અમાનવીય ઘટનાઓ ની તમે કદી ટીકા કરી છે કે કદી કરશો?

ગુજરાત ના એક મુખ્યમંત્રી તરીકે આપ કદીપણ ઉપર જણાવેલ મુદ્દાની ટીકા કરશો? આપ ના માટે કદાચ આ મુદ્દા મહત્વ ના નથી પર ગુજરાત રાજ્ય ની જનતા માટે મહત્વના છે.

સાડા પાચ કરોડ માનો એક હું સામાન્ય માણસ આપ ની પાસે થી સમજવા માંગીશ કે આપની, આપની સરકારની નીતિઓની ટીકા થાય,આપના પર કોઈ ઘટનો આરોપ મુકવામાં આવે કે અમિતાભ બચ્ચન ને કઈ કહેવામાં આવે તો ગુજરાત નું અપમાન કેવી રીતે થાય? શું આપ,ગુજરાત ની ગરિમા અને અસ્મિતા ની સરખામણી આપની પોતાની ગરિમા અને અસ્મિતા સાથે કરો છો? આપ કેમ એવું માનો છો કો આપ ની ટીકા એ ગુજરાત નું અપમાન છે? શું આપ ગુજરાત કરતા આપને વધારે કે સરખા મહત્વના ગણો છો?

આપ એક રાજ્ય ના મુખ્યમંત્રી અને તે રાજ્ય ની પ્રજા ના સેવક છો આપ સર્વો પરી સત્તા નથી. ગુજરાત રાજ્ય ની સંસ્કૃતિ, ગરિમા અને અસ્મિતા એક ખાલી ખોખાનો મહેલ નથી કે જેની સરખામણી એક મુખ્યમંત્રી સાથે કરવા માં આવે. એક ગુજરાતી તરીકે મને ગુજરાતી ભાષા, સંસ્કૃતિ, તેની ગરિમા અને અસ્મિતા પર અત્યંત ગર્વ છે પણ તમારા પર મને ગર્વ નથી તો શું તમે કહેશો કે હું ગુજરાત નું અપમાન કરું છું? જો મને આપ બિલકુલ નાપસંદ હોય અને તમારા પર મને ગર્વ ના હોય તો શું હું 'ગુજરાત વિરોધી' છું?

હું બહુ સારી રીતે જાણું છું કે જો કોઈ માધ્યમ દ્વારા આપ આ પત્ર વાંચો તો પણ તમે કદી જવાબ નહિ આપો. આપ અત્યંત વ્યસ્ત છો અને હું આપના જવાબ ની અપેક્ષા પણ નથી રાખતો. પરંતુ એક અપેક્ષા હું આપની પાસે રાખીશ કે મહેરબાની કરી આપ પોતાની તુલના ગુજરાતની સંસ્કૃતિ, તેની ગરિમા અને અસ્મિતા સાથે ના કરો.

આભાર સહ,

ગૌરાંગ રાવલ